જમ્યા પછી બધા લોકોને મુખવાસ ખાવાની આદત હોય છે. લોકો મુખવાસ તરીકે અલગ અલગ વસ્તુ ખાતા હોય છે. જો કે મુખવાસ તરીકે કોઈપણ વસ્તુ ખાવાને બદલે જો તમે વરિયાળીનું સેવન કરો છો તો તેનાથી તમને અઢળક લાભ થાય છે.
ઘણા લોકો મુખવાસમાં વરિયાળી એટલા માટે નથી ખાતા કે તેનાથી થતા લાભથી તેઓ અજાણ હોય છે. તો ચાલો આજે તમને આ અંગે જાણકારી આપીએ અને જણાવીએ કે જમ્યા પછી વરીયાળી ખાવાથી શરીરને કેટલા લાભ થાય છે.
આયુર્વેદ અનુસાર વરિયાળી શરીરના ત્રિદોષનો નાશ કરે છે અને બુદ્ધિવર્ધક છે. વરિયાળીનું સેવન જમ્યા પછી કરવાથી અન્નનળી બરાબર સાફ થાય છે. સાથે જ ભોજન પણ સરળતાથી પચી જાય છે. તેથી જમ્યા પછી વરિયાળીનું સેવન કરવું જ જોઈએ.
વરિયાળીમાં ભરપુર પ્રમાણમાં આર્યન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, વિટામીન ઈ, વિટામીન કે સહિતના તત્વો હોય છે. તેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. વરિયાળીના સેવનથી રક્ત શુદ્ધ થાય છે. તેમાં ફાયબર પણ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
વરિયાળીનું સેવન કરવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે. તેમાં ફાયબર હોય છે જે પાચન સંબંધિત સમસ્યાને દુર કરે છે. વરિયાળી અને સાકરને સાથે લેવાથી કબજિયાત, ગેસ, અપચો વગેરે મટી જાય છે. વરિયાળીને શેકીને તેનો મુખવાસ તરીકે ઉપયોગ કરવો જોઈએ.
વરીયાળીનું સેવન કરવાથી આંખને પણ લાભ થાય છે. તેનાથી આંખની તંદુરસ્તી જળવાય છે અને શરીરની નબળાઈ પણ દુર થાય છે.
રાત્રે મોડે સુધી ઊંઘ આવતી ન હોય તો રાત્રે જમ્યાની એક કલાક પછી વરિયાળીના પાવડરને દૂધમાં મિક્સ કરી પી લેવો. તેનાથી ઊંઘ સારી આવે છે અને સ્ટ્રેસ પણ દુર થાય છે. આ દૂધ પીવાથી મગજ પણ તેજ થાય છે.
જે લોકોને એસીડીટીની સમસ્યા હોય છે તેમણે એક ચમચી વાટેલી વરિયાળીમાં એક ચપટી એલચી પાવડર અને સાકરને એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પીવાથી એસીડીટીથી રાહત મળે છે. જે લોકોને વારંવાર ખાટા ઓડકાર આવતા હોય તેમણે વરિયાળી અને સાકર લેવી જોઈએ.
જે લોકોને માથાનો દુખાવો રહેતો હોય તેમણે વરિયાળી, સાકર અને ધાણા સમાન માત્રામાં લઈ અને પીસી લેવા. આ મિશ્રણને રોજ સવારે અને સાંજે લેવાથી માથાનો દુખાવો મટે છે. આ સિવાય રોજ અડધી ચમચી વરિયાળીનો પાવડર હુંફાળા પાણી સાથે લેવાથી શરીરનું વજન ઘટે છે.
મોઢામાં ચાંદા પડી જતા હોય તો વરિયાળી પલાળેલા પાણીથી કોગળા કરવાથી ચાંદા મટે છે. વરિયાળીનું સેવન કરવાથી ત્વચાની સમસ્યા પણ દુર થાય છે.