આજના સમયમાં કબજિયાતની સમસ્યાથી મોટા પ્રમાણમાં લોકો પીડીત છે. લોકો કબજિયાતથી મુક્તિ મેળવવા દવાઓ પણ લેતા હોય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમને વર્ષોથી આ સમસ્યા હોય અને દવાથી ખાસ ફરક પડતો ન હોય. આવા લોકો પણ કબજિયાતથી મુક્તિ થઈ શકે છે. તેના માટે તેમણે આ મુદ્રા કરવાની શરુઆત કરવી પડશે.
આરોગ્યપ્રદ આહારનો અભાવ પેટની સમસ્યાનું કારણ બને છે. તેમાં સૌથી પહેલા કબજિયાત થાય છે. આ સમસ્યા એવી છે કે જે તેની સાથે અન્ય તકલીફોને પણ લાવે છે. કબજિયાત દૂર કરવા દવાઓ પણ ઉપલબ્ધ હોય છે પરંતુ તમે તેને દુર કરવા માટે આ પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને લાભ મેળવી શકો છો.
કબજિયાત દૂર કરવા માટે સૂચિ મુદ્રા કરવી એ એક ઉત્તમ ઉપાય છે. આ મુદ્રા કરવાથી કબજિયાતથી મુક્તિ મળે છે. આ સાથે જ તેનાથી ગેસ, એસીડીટી, અપચો પણ દુર થાય છે. સૂચિ મુદ્રા કરવી એ પેટની સમસ્યાઓને દવા વિના મટાડવાનો ઉત્તમ અને સૌથી સરળ ઉપાય છે. તેનાથી પેટ અને મગજ બંને શાંત થાય છે.
સૂચિ મુદ્રા એક હસ્ત મુદ્રા છે, તેને સંસ્કૃત શબ્દ શુચિ પરથી લેવામાં આવ્યો છે. સંસ્કૃતમાં શુચિનો અર્થ થાય છે પવિત્રતા અને સ્વચ્છતા. હાથની આ મુદ્રામાં આંગળીઓની વિશેષ સ્થિતિ બનાવવાની હોય છે.
આ મુદ્રા ખાસ એટલા માટે હોય છે કે તેમાં પાંચ તત્વોનું સંતુલન જળવાય છે. સુચિ મુદ્રા કરવાથી શારીરિક અને માનસિક બંને પ્રકારના લાભ થાય છે. કબજિયાતથી મુક્તિ મેળવવા માટે આ મુદ્રાનો અભ્યાસ રોજ કરવો જોઈએ.
આ મુદ્રા કરવા માટે શાંત અને હવા ઉજાસવાળી જગ્યા પર પદ્માસનની મુદ્રામાં બેસો. ત્યારબાદ બંને આંખ બંધ કરો અને હાથની મુઠ્ઠી વાળો. બંને મુઠ્ઠીને છાતી પર રાખો અને પછી ડાબા હાથને છાતી પર રાખી લાંબો શ્વાસ લઈ અને જમણા હાથને સામેની તરફ લાવો અને તમારા અંગૂઠાની અનામિકા આંગળી પર દબાણ આપવું. પછી આ મુદ્રા બીજા હાથ સાથે ફરીથી કરો. આ મુદ્રામાં 5 મિનિટ રહેવું અને પછી રોજ આ મુદ્રાનો અભ્યાસ કરવો.
જો કે આ મુદ્રા કરતી વખતે ધ્યાન પણ રાખવું જરૂરી છે. જો આ મુદ્રા કરવાની શરુઆત કરો અને શરીરમાં કોઈ સમસ્યા થાય તો તેને કરવાનું બંધ કરી દેવુ. આ સિવાય તેની શરુઆત કોઈ નિષ્ણાંતની દેખરેખમાં કરવી જેથી કોઈ સમસ્યા થાય નહીં અને કબજિયાત સહિતની તકલીફો દુર થાય.