ગર્ભાવસ્થા પછી અને જ્યારે વધેલું વજન ઘટાડવામાં આવે ત્યારે શરીરની ત્વચા પર નિશાન પડી જતા હોય છે. આમ તો આ પ્રકારના નિશાન દુર કરવા માટે ક્રીમ અને લોશન મળે છે. પરંતુ તે મોંઘા હોય છે અને આ વસ્તુઓ ખરીદવી દરેક માટે શક્ય પણ હોતી નથી. તેથી આજે તમને સ્ટ્રેચ માર્કને દુર કરવાના કેટલાક ઘરેલું ઈલાજ જણાવીએ.
સ્ટ્રેચ માર્કને તમે ઘરગથ્થુ ઈલાજથી દુર કરી શકો છો. આ સ્ટ્રેચ માર્ક સાથળ, પેટ, કમર અને હાથ પર પણ જોવા મળે છે. આ નિશાન રીંગણી રંગની નસો જેવા હોય છે.
જો કે વજન ઘટવાના કારણે થયેલા નિશાન પુરુષોને પણ થઈ શકે છે. આ નિશાનથી કોઈ નુકસાન થતું નથી. પરંતુ તે દેખાવમાં ફરક કરે છે. તેથી તેને દુર કરવા જરૂરી હોય છે.
સ્ટ્રેચ માર્કને દુર કરવા માટે એલોવેરાનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરામાં એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. જે સ્ટ્રેચ માર્કને દુર કરવામાં મદદ મળે છે. તેના માટે આ જેલને પ્રભાવિત જગ્યા પર લગાવવું. આ જેલને તમે સવારે સ્નાન કરીને અને પછી રાત્રે સુતા પહેલા લગાવી શકો છો.
સ્ટ્રેચ માર્કને દુર કરવા માટે ઈંડા અને વિટામીન ઈની કેપ્સ્યુલ પણ ઉપયોગી છે. ઈંડા પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તે ત્વચાને પોષણ આપે છે અને તેને રીપેર કરે છે. આ સાથે વિટામિન ઈ પણ સ્ટ્રેચ માર્કને દુર કરે છે.
તેના માટે એક વાટકીમાં 2 ઈંડાનો સફેદ ભાગ અને 2 વિટામીન ઈની કેપ્સ્યુલ લઈ સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને સ્ટ્રેચ માર્ક પર લગાવો. તે સુકાઈ જાય એટલે તેને સાફ કરી લો.
નાળિયેર અને બદામનું તેલ – શરીર પર પડેલા આ નિશાનને દુર કરવા નાળિયેર અને બદામના તેલનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બંને તેલને સમાન માત્રામાં લઈ તેને બરાબર મિક્સ કરી અને લગાવો. આ ઉપાય સ્નાન કરતા પહેલા કરવો.
કાકડી અને લીંબુ – લીંબુમાં નેચરલ એસિડ હોય છે અને તે આ પ્રકારના નિશાન ઘટાડે છે. આ સિવાય કાકડીનો રસ પણ ત્વચાને રીપેર કરે છે. તેના માટે બંને રસને સમાન માત્રામાં લઈ અને ત્વચા પર લગાવવો. આ મિશ્રણનો ઉપયોગ કરવાથી થોડા દિવસોમાં તમને સ્ટ્રેચ માર્ક હળવા થતા દેખાશે.